અંકલેશ્વરઃ જીઆઇડીસી સ્થિત લાયન્સ સ્કૂલ વિવાદમાં સપડાઈ છે. શાળામાં બોર્ડની પરીક્ષા માટેનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. બુધવારે ધોરણ-10માં ગણિતના પ્રશ્નપત્ર દરમિયાન કેટલાક વર્ગખંડોમાં પરીક્ષા આપી રહેલી મુસ્લિમ વિદ્યાર્થિનીઓને તેમનો હિજાબ ઉતારી લેવાનું સ્ટાફ તરફથી કહેવામાં આવ્યું હતું. પરીક્ષા આપવાની હોવાથી છાત્રાઓએ હિજાબ ઉતારીને સ્ટાફને આપી દીધો હતો, પણ ઘરે જઈને વાલીઓને જાણ કરતાં ગુરુવારે તેના પડઘા પડ્યા હતા. ગુરુવારે વાલીઓનું ટોળું લાયન્સ સ્કૂલ ખાતે ધસી ગયું હતું અને શાળા સંચાલકોને ઉગ્ર રજૂઆત સાથે ડીઈઓને પણ ફરિયાદ કરી હતી. ભરૂચ જિલ્લાને કોમી દૃષ્ટિએ સંવેદનશીલ ગણવામાં આવે છે, ત્યારે શિક્ષણાધિકારીએ સીસીટીવીના ફૂટેજના આધારે લાયન્સ સ્કૂલના 3 સ્થળ સંચાલકોની તાત્કાલિક અસરથી બદલી કરવા આદેશ કર્યો હતો. ભરૂચના શિક્ષણાધિકારીએ જણાવ્યું કે, સીસીટીવી ચકાસ્યા બાદ 3 શાળા સંચાલકની બદલી કરી દેવાઈ છે.

